Menu

Saturday 16 June 2018

Jodhpur,Maherangrah

રાજસ્થાનના રુઆબી રઝવાડી રંગમાનો રંગ જોધપુરનો 'મહેરાનગઢ'
રાજસ્થાનની ધરોહરને સાચવતો જોધપુરમાં આવેલો મહેરાનગઢ કિલ્લો જેના નામ વિષે જાણીએ તો તેનો મતલબ થાય 'સૂર્ય-કિલ્લો'. (નામશાસ્ત્ર 'મિહિર'(સંસ્કૃત) એટલેકે સૂર્ય,,,ગઢ એટલે કિલ્લો) સૂર્યદેવ એ રાઠોડ વંશના મુખ્ય દેવતા ગણાઇ છે.મહેરાનગઢ 400 ફૂટની ચટ્ટાનના પહાડ પર બનેલો છે.જે ટેકરી પર તે બનાવ્યો તે ટેકરી 'ભાઉરચીડીયા' પક્ષીઓની ટેકરીના નામે ઓળખાતી હતી.


 રણમલના ૨૪ સંતાનોમાંના એક રાવ જોધા જે જોધપુરના 15માં રાઠોડ શાસક બન્યા.અંદાજે ૧૪૬૦માં રાવ જોધાજીએ આ કિલ્લાનો પાયો નાખ્યો હતો અને તેને મહારાજા જસવંતસિંહજીએ પૂર્ણ કર્યો.
[કિલ્લાની વિશેષતા]
આ કિલ્લાનો કોટ 35 મીટર ઉંચો અને 21 મીટર પહોળો છે.
આ કિલ્લાના મુખ્ય 7 દ્વાર છે અને આઠમો માર્ગ પણ ખરો પરંતુ એ ગુપ્ત રાખવામાં આવેલો છે.
એવું માનવામાં આવે છે કે આ દરેક દ્વાર રાજાના કોઈ યુદ્ધ જીતવાના સ્મારક તરીકે બનાવવામાં આવેલા છે.
- 'જય પોળ' (વિજય દ્વાર) સૌથી પ્રખ્યાત છે જે મહારાજા માનસિંહજીએ જયપુર અને બિકાનેરની ઉપર વિજય પછી બાંધ્યો,
-'ફતેહ પોળ' જે મોગલો પરની વિજયની યાદમાં
-'દેઢ કામગ્રા પોળ' જેના પર આજે પણ તોપગોળાના હુમલાના ચિન્હો દેખાઈ છે.
-'લોહાપોળ' જે કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે.


ગેટની બહાર ડાબી બાજુએ એક સુંદર છત્રી છે, જે કિરીટ સિંઘ સોઢા કરીને સૈનિક એ યુદ્ધમાં જે સ્થળ પર શહીદ થયા હતા તેમની યાદગીમાં બનાવાઈ છે.
સ્વાગતની વાત હોય ત્યારે રાજસ્થાન પાછું ના પડે,કિલ્લામાં પ્રવેશો એટલે 'પધારો મ્હારે દેશ'નું સંગીત મધુર સુરો રેલાવતું સીધું જ હૃદય સુધી પહોચી જાય.
કિલ્લાની દીવાલોએ સામી છાતીએ લોકોના રક્ષણ માટે સહન કરેલા તોપના ઘાવ વફાદારીનો પુરાવો દર્શાવી જાય અને દુખ પણ લગાડી જાય કે કેવી હશે એ યુદ્ધની પળો.

મેહરાનગઢ સંગ્રહાલયના કક્ષો
-અંબાડી
અંબાડીઓ મોટે ભાગે બે ભાગ ધરાવતી લાકડાની બેઠકો હતી (મોટેભાગે તે ચાંદી કે સોનાના નક્શીદાર પતરા થી જડવામાં અવતી) જેને હાથી પર બાંધવામાં આવતી. આગળનો ભાગ મોટો અને સંરક્ષણાત્મક ધાતુની પટ્ટી સાથે હતો તે રાજા કે રાવીઓ માટે હતો. પાછળનો નાનો ભાગ હવા કરનાર તરીકેના ગુપ્ત વેષમાં રહેલ અંગરક્ષક માટે હતો.


 -પાલખી,મહાડોલ (ગુજરાત)
આ ભવ્ય ઐતહાસિક પાલખી જોધપુરના મહારાજા અભયસિંહ ( 1724-1749) જે અમદાવાદના સુબેદાર સર બુલંદ ખાં ને 1730માં હરાવીને લાવેલા.આ પાલખી ગુજરાતી કાષ્ઠશિલ્પ કળાનો ઉત્કૃષ્ઠ નમુનો છે.લાકડા પર સુંદર નકશીકામ કરેલું છે તેમજ સોનાના પાણી વાળો વરખ પાલખીમાં ચડાવેલો છે.
સમયગાળો 18મી સદી,બનાવટ ગુજરાત.


-પાલખી
૨૦મી સદીના બીજા ભાગ સુધી ઉચ્ચ વર્ણના કુટુંબોની મહિલાઓ માટે પાલખી અવરજવરનું સાધન હતી. ખાસ અવસરે રાજ પુરુષો પણે તેને વાપરતાં.
તાળું 
વર્ષો જુનું તાળું જે કિલ્લાના દરવાજાનો એક રખેવાળ હોવાનો પુરાવો આપે છે આ પેટીમાંથી...


-શસ્ત્રાગાર
આ સંગ્રહ કક્ષ જોધપુરના ઇતિહાસના દરેક કાળના વપરાતાં શસ્ત્રોના નમૂના છે. રત્ન જડીત, ચાંદીના, ગેંડાના શિંગડા, હાથી દાંત ના હાથા વાળી તલવાર,માણેક નીલમ અને મોતી જડેલી ઢાલ, નાળચા પર સોના અને ચાંદી મઢેલ બંદૂક, વિગરે અહીં પ્રદર્શિત છે. અહીં રાજાઓની નીજી તલવારો પણ પ્રદર્શનમાં છે તેમાં ખાસ છે રાઓ જોધાની ખાંડા જેનું વજન ૩.૫ કિલોની આસપાસ છે, અકબરની તલવાર અને તૈમૂરની તલવાર.
-ચિત્રો
અહીં મારવાડ-જોધપુરના રંગો નીહાળી શકાય છે. મારવાડ ચિત્રકારીના આદર્શ નમૂના અહીં પ્રદર્શીત છે.
-પાઘડીઓનું સંગ્રહાલય
મેહરાનગઢ સંગરહાલયનો પાઘડી કક્ષ રાજસ્થાનમાં પ્રચલીત દરેક પાઘડીઓના સંવર્ધન તેના સાહીત્ય અને પ્રદર્શનનું કાર્ય કરી રહી છે;જેમાં દરેક જાતિ, ધર્મ અને ઉત્સવોના ખાસ શિરસ્ત્રાણ (પાઘ) બતાવાયા છે.
-લોક સંગીત વાદ્યો
ખાસ જાતિઓ અને ખાસ ક્ષેત્રોમાં જ વગાડાતા વાદ્યો અહીં પ્રદર્શિત છે.
-ચૂસકી (Wine Flask)
ચૂસકી એ શરાબ,અફીણ વગેરે દેવા માટે ઉપયોગમાં લેવાતી.તેનો આકાર એક સ્ત્રીએ સાફો પહેરેલો હોય તેવી દ્રશ્યમાન થાય અને તેના હાથમાંથી શરાબ નીકળે તે કલાત્મક બનાવટ આ ચૂસકી માં જોવા મળે. સમય 19મી સદી.

-ચલમ 
ચલમના ઉપરના હિસ્સામાં તમાકુ ભરી તેને સળગાવીને તેને પીવા ઉપયોગમાં લેવાતો.
તેની બનાવટ એ પ્રકારની જોવા મળે કે મગરમચ્છના મોં માંથી તેનો એક ભાગ બહાર કઢાયેલ હોય.
-હુક્કો 
આ પ્રકારનો હુક્કો પીવાનું પ્રચલન ફારસી પ્રવાસીઓ દ્વારા 14મી સદીમાં મુઘલ દરબારમાં આરંભ થયો હોવાનું માનવામાં આવે છે.ચાંદીના તારો જડીને આ હુક્કાને બનાવવામાં આવ્યો હોવાનું દ્રશ્યમાન થાય છે.


-શિરસ્ત્રાણ 
ફૌલાદી શિરસ્ત્રાણ જે યોદ્ધાના માથાના ભાગને,નાકને રક્ષા આપે છે,ધાતુની જાળી ગળાના ભાગને,કાનને કવચ પૂરું પાડે છે.દુશ્મનોની તલવારના ઘા જીલી યોદ્ધાને બચાવે છે આ શિરસ્ત્રાણ.



-ગુપ્તી 
ગુપ્તી એ વસ્ત્રમાં સંતાડી શકાય એવું શસ્ત્ર જે દુશ્મનને પછાડવા મુશ્કેલીના સમયમાં સાથ આપે.વક્રાકાર આકાર,ફૌલાદી અને મજબુત પકડ આપતી તેની મૂઠ.સમયગાળો 17મી 18મી સદી.



-તોડેદાર બંદુક 
સિંહણના મુખવાળી ફૌલાદી નાળ,સોના ચાંદી તેના અમુક ભાગમાં જડાયેલ જોવા મળે.
સમયગાળો 17મી સદી,મુઘલ કારખાનામાં બનાવટ.



-જામધર
યોદ્ધાનું ખતરનાક શસ્ત્ર જેની મૂઠમાં વનસ્પતિ,શિકારી પ્રાણીઓની મુખાકૃતિ,શિકારના દ્રશ્યો અંકાયેલ જોવા મળે.શ્રેષ્ઠ લેખ,જય જયકાર પણ સંક્ષિપ્તમાં જોવા મળે ઉદા.-'શ્રી રામકી જય'.
કમરના ભાગે યોદ્ધા આ શસ્ત્ર યુદ્ધ દરમિયાન વાપરતા હોય તેવું ચિત્રોમાં દ્રશ્યમાન થાય છે.
સમયગાળો 19મી સદી,મારવાડ રાજસ્થાન.


-વિવિધ પ્રકારની બેનમુન કટાર 
અફઘાન છુરા,ખંજર,જામ્બીયા,કટાર,બિચ્છવા


-વિવિધ પ્રકારની તલવાર 
તલવાર,સમશેર,ખાંડા,સોસન પટ્ટા,પટ્ટા,




-તલવારની વિવિધ પ્રકારની આકર્ષક દમદાર મૂઠ
જેના પર શિકારી પ્રાણીની મુખાકૃતિ બનાવેલ હોય અને પકડ પણ મજબુત મળી રહે તેવી રીતે તેની મૂઠની બનાવટ કરાયેલી તાદ્રશ્ય થાય.




-તોપ
કાંસાની મૂર્તિના સ્વરૂપમાં આ તોપને ઢાળવામાં આવેલી છે.મગરમચ્છનું મુખ તથા જંગલી સુવરનું શરીર તોપની બનાવટમાં દેખાઈ આવે.
સમયગાળો 18મી સદી,બનાવટ જોધપુર.



-વિવિધ માપના જરૂરિયાત પ્રમાણે બનાવેલા ભાલા સંગ્રહાયેલા છે.


કવચ 
-એક યોદ્ધાના માથાથી લઈને પગના તળિયા સુધીના 
શરીરને સંપૂર્ણ સુરક્ષા આપતુ કવચ સંગ્રહાયેલ છે.
ધાતુનું બનેલ કવચ ખુબ જ વજનદાર હોય છે જે હાલના સમય પ્રમાણે ઉપાડવું પણ ભારે પડી જાય ત્યારે યોદ્ધાઓ આ કવચ પેહરીને યુદ્ધ પર જતા.




કેટલીક અન્ય વિગતો 
-ઘણી બધી ફિલ્મનું ફિલ્માંકન મહેરાનગઢ કિલ્લા પર થયેલું છે.ઈંગ્લીશ ફિલ્મ 'ધ ડાર્ક નાઈટ રાઈજીસ'
ના અમુક સીન અહી ફિલ્માયા અને ત્યારબાદ ફિલ્માંકન માટે અને ફરવા માટે લોકપ્રિય સ્થળ આ બની ગયું.
‘શુદ્ધ દેસી રોમાંસ’,‘હમ સાથ-સાથ હૈ’,‘આવારાપન’ સહિત અન્ય ફિલ્મ્સ પણ શૂટ થઈ છે.

અહીનું સંગ્રહાલય વિશ્વવિખ્યાત છે.જેમાં પાલખીઓ,હાથીઓના હોદ્દા,કુદરતી વસ્તુ વાપરી તૈયાર કરાયેલ ચિત્રો,તલવાર,વિવિધ ભાતવાળી કટાર,સોના ચાંદીના બેરલવાળી બંદુકો, જુના તાળા,ચલણી નાણું,જુના ફર્નીચર વિવિધ વસ્તુઓનું અલભ્ય દર્શન અહી કરવા મળે.
-મોતી મહેલ
રાજા સૂર સિંહ (૧૯૯૫-૧૬૧૯) દ્વારા બંધાયેલ મોતી મહેલ મેહરાનગઢના યુગ ઈમારતોમાં સૌથી મોટી ઈમારત છે. સૂરસિંહના મોતી મહેલમાં પાંચ નાની બેઠકો છે જે ચાલી તરફ દોરે છે; કહે છે કે આ બેઠકો તેમની પાંચ રાણીઓ માટે દરબારની કાર્યવાહી જોવા બનાવેલી હતી.
-શીશ મહેલ
આ એક પરંપરગત રાજપૂત શીશ મહેલનું ઉદાહરણ છે. આ મહેલમાં આરીસાના નાના નાના ટુકડા ન વાપ્રતા મોટાં એકરૂપ આરીસા વાપરવમાં આવ્યાં છે. પ્લસાર પર બનેલ ધાર્મિક ચિન્હોની આરીસા ઉપર મઢામણી એ અહીં ની એક અન્ય વિષેશતા છે.
-ફૂલ મહેલ
મહારાજા અભયસિંહ (૧૭૨૪-૧૭૪૯) દ્વારા ફૂલ મહેલ બંધાવવામાં આવ્યો. મેહરાનગઢના યુગ કક્ષોમાંનિ સૌથી વૈભવી એવો આ ખંડ મનોરંજન નએ પ્રમોદને સમર્પિત નીજી અને ખાસ કહંડ હતો; એક સમયે નૃત્યાંગનાઓ અહીંની સોનેરી ભાતથી સુશોભિત છત નીચે નાચી નાચીને થાકી જતાં બેહોશ થઈ જતી હતી.
-તખત વિલાસ - મહારાજા તખત સિંહનું કાર્યાલય
મેહરાનગઢમાં રહીનારા જોધપુરના અંતિમ શાસક મહારાજા તખતસિંહ(૧૮૪૩-૧૮૭૩) દ્વારા બંધાવાયેલ આ મહેલ પરંપરા અને શૈલિઓનો અનોખો મિશ્રણ છે. છતપર શીશાના ગોળા આદિ આધુનિક સજાવટૅના ચિન્હો છે જે બ્ઋશરો સાથે ભારતમાં આવ્યાં હતાં.
-દૌલત ખાના - મેહરાનગઢ સંગ્રહાલયના ખજાનો
આ સંગ્રહ કક્ષ મોગલકાળના સૌથી મહત્ત્વના અને સંરક્ષિત સુશોભન અને ઉપયોગિ કળાઓના નમૂના પ્રદર્શિત કરે છે, રાઠોડ વંશના રાજાઓ ને તે સમયે મોગલો સાથે ઘણાં સરા સંબંધો હતાં.

-કઠપૂતળીના ખેલ હવે ખોવાઈ રહ્યા છે કિલ્લામાં એક અંદરના ભાગે હજુ પણ એક પરિવાર ઢીંગલીઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવી આ કલાને જીવંત રાખે છે.


થોડી માહિતી વિકિપીડિયામાંથી,,,થોડી આસપાસ માંથી મેળવી 
મારા મનગમતા 'મહેરાનગઢ' ની મુલાકાત કરાવવાનો એક પ્રયત્ન...

2 comments: