લોકમિલાપ અને મહેન્દ્રભાઇ સાથે મિલાપ
ઘણી બધી એવી સંસ્થાઓ હોય
છે જેમના ઉમદા કાર્યોને વર્ણવવા શબ્દો ન મળે, સોનલ બહેને જેમ નોંધ્યું તેમ કે આ સંસ્થાના
કાર્યો એટલા વિરાટ અને વ્યાપક છે કે જેમના માટે આંદોલન શબ્દ વાપરવો પડે અને તેવી
એક સંસ્થાનું નામ એટલે 'લોકમિલાપ'. 26 મી જાન્યુઆરી 2020માં લોકમિલાપ સમેટાય
રહ્યું છે ત્યારે 70 વર્ષ અને
મહેન્દ્રભાઈ મેઘાણી 96માં વર્ષે પણ
અડીખમ રહીને સેવા આપતા રહ્યા છે અને વાંચન પૂરું પાડી લોકોને વિચારક બનાવતા રહ્યા
છે.
લોકમિલાપના મૂળમાં જઈએ તો
ઝવેરચંદ મેઘાણીનો જન્મ માં ધોળીમાં અને કાળીદાસ મેઘાણી ને ત્યાં ચોટીલામાં 28 ઓગસ્ટ 1896 માં થયો.
ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ. (1917, અંગ્રેજી અને સંસ્કૃત) કર્યા પછી તેમણે ત્રણેક વર્ષ કલકત્તામાં
એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર તરીકે કામ કર્યું અને કલકત્તાવાસ દરમ્યાન તેઓ
બંગાળી ભાષા શીખ્યા, પણ જીવ
કાઠિયાવાડમાં લાગેલો હતો તેથી ત્યાંથી તેઓ પાછા આવી ગયા ને 1922માં સૌરાષ્ટ્ર ના
તંત્રી મંડળમાં જોડાયા. તે પછી તેમણે મુંબઈના ' માં કાર્ય શરૂ કર્યું. 1936 થી 1945 સુધી 'ફૂલછાબ'નું તંત્રીપદ
સાંભળ્યું. પત્રકારત્વ, સર્જનાત્મક
સાહિત્ય અને લોકસાહિત્યનું ઝવેરચંદ મેઘાણી જેટલું વિપુલ અને સત્ત્વશીલ ખેડાણ
ભાગ્યે જ કોઈ વ્યક્તિએ કર્યું હશે. પ્રિય સર્જક ટાગોરના શાંતિનિકેતમાં મેઘાણી
સાહેબે લોકસાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યા. તેઓ લોકસાહિત્યની શોધમાં ગામડાઓ ખુંદી
વળતા. તેમણે કાવ્યસંગ્રહો,
નવલકથાઓ, નવલિકાસંગ્રહો, નાટ્યસંગ્રહો, લોકકલાસંગ્રહો, લોકગીત-ભજનસંગ્રહો
ઉપરાંત પત્રકારત્વ, ઇતિહાસ, ચરિત્ર, વિવેચન, સંશોધન જેવા
વિષયો પર પુસ્તકો લખ્યા છે.
મહેન્દ્રભાઈ
મેઘાણી (હરતી ફરતી વિદ્યાપીઠ)
(Photo clicked by Lalji Baraiya)
મહેન્દ્ર મેઘાણી ઝવેરચંદ
મેઘાણીના નવ સંતાનોમાં સૌથી મોટા. તેમના માતાનું નામ દમયંતીબેન. મહેન્દ્રભાઈનો
જન્મ 20 જૂન,1923માં મુંબઈમાં
થયો.
મહેન્દ્રભાઈ બાર-તેર
વર્ષના હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીને 'ફૂલછાબ'નું તંત્રીપદ સંભળવા માટે મુંબઈ છોડવાનું થયું.
ભણતર ન બગડે તેથી ઝવેરચંદ મેઘાણીએ મહેન્દ્રભાઇને મુંબઈમાં જ રાખ્યા. મુંબઈની ન્યૂ
ઍરા સ્કૂલમાં શાળાનું શિક્ષણ લીધું. આ શાળાના એક શિક્ષિકા મિસિસ ચોકસી (પારસીબાનું)
જેઓ ખૂબ જ હોશિયાર અને પ્રેમાળ હતા, તેમના પાસેથી તેઓ અંગ્રેજી શીખેલા જેના કારણે
તે ઘણું બધું શીખી શક્યા હોવાનું માને છે અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ત્યારબાદ અમદાવાદની કોલેજમાં બે વર્ષ ભણ્યા અને પછી મુંબઈની ઍલ્ફિનસ્ટન કોલેજમાં
દાખલ થયા. વર્ષ ૧૯૪૨ના જૂન મહિનામાં જ્યારે કોલેજમાં દાખલ થયા અને ઓગસ્ટમાં હિન્દ
છોડો ચળવળ શરૃ થઈ ત્યારે કોલેજ છોડી લડતમાં જોડાયા.
ભારત ૧૯૪૭માં આઝાદ થયું
તેના છ મહિના પહેલાં ઝવેરચંદ મેઘાણી નું અવસાન થયું અને તેના પછીના વર્ષે
મહેન્દ્રભાઈ પત્રકારત્વનું ભણવા ન્યૂયોર્ક કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. હડસન
નદીના કિનારે 'ઇન્ટરનેશનલ હાઉસ'માં તેઓ રહેતા
ત્યાંથી યુનિવર્સિટી નજીક પડતી એટલે ચાલીને જઈ શકાતું. અમેરિકાના રોક વેલર નામના
મોટા ઉદ્યોગપતિએ આ હાઉસ બંધાવેલું અને શરત રાખેલી કે 500 વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા છે તો તેમાં માત્ર અમેરિકાના જ વિદ્યાર્થીઓ નહીં પણ અડધા વિદ્યાર્થીઓ પરદેશના હોય તેમને લેવાના જેના
કારણે એક બીજાને મળે અને જાણે તે માટે તેનો આ આશય હતો.
તે સમય ગાળામાં જ યુનાઈટેડ નેશન્સની સ્થાપના થયેલી અને પહેલા
કતલખાનું ચાલતું તે ભાડાના મકાનમાં કાર્યાલય
હતું ત્યાં તે નૂતન ગુજરાતના પત્રકાર
તરીકે ભારતના પ્રતિનિધિ તરીકે જતા અને વાંચતા અને જરૂરી નોંધ લેતા જેમાં તેમને ઘણું
બધું શીખવા મળ્યું, જે ડોક્યુમેન્ટ મળે તે વાંચતા. ખાસ તે સંસ્થા
લોકો સાથે કઈ જાતનો વ્યવહાર કરે છે તે અહીંયા શીખ્યા, આ સંસ્થા
પત્રકારોને શું કામ આવ્યા?
શા માટે માહિતી
જોઈએ? તેવા સવાલો
કરવાને બદલે જે કંઈ માહિતી જોઈએ અથવા પૂછવામાં આવે તો વિના સંકોચે તમામ માહિતી
આપવામાં આવતી, ક્યારેય રોકટોક કે માહિતી માટે પત્રકારોને અટકાવવામાં ન આવતા.
અમેરિકા ના બે છાપા વિશે
વાત કરતાં કહે છે કે ત્યાં વર્ગખંડમાં જેટલું ન શીખવા મળ્યું તેટલું પત્રકારત્વ
અને દુનિયા વિશે કિશ્ચયન સાયન્સ મોનીટર, અને ન્યુયોર્ક ટાઈમ નામના બે અખબારમાંથી તેમને
શીખવા મળ્યું. આ અખબારના લેખો અને તંત્રીલેખના અભિપ્રાયનો ભાર હંમેશા રહેતો ખાસ તો
ચુંટણી સમયે એ કોને ટેકો આપે છે ડેમોક્રેટને કે રિપબ્લિકને તેની લોકોને રાહ રહેતી.
ન્યૂયોર્કવાસ દરમિયાન
લોકમિલાપની સ્થાપનાનો વિચાર સ્ફૂર્યો. અમેરિકાની અટારિયેથી નામની કોલમમાં તેઓ
પોતાના અનુભવો તેઓ નોંધતા અને એરમેઇલથી મોકલતા જે અંદાજે અઠવાડિયામાં મળી જતા.
ઘણું બધું શીખીને તેઓ 1949માં ભારત પરત
ફર્યા.
મુંબઈમાં 26 જાન્યુઆરી 1950 માં લોકમિલાપ
કાર્યાલય શરૂ થયું સાથે મિલાપ નામના માસિક પ્રકાશન સાથે શુભારંભ થયો. આ મિલાપ
પ્રકાશનની સરખામણી રિડર્સ ડાયઝેસ્ટ સાથે કરી શકાય તેવી શ્રેષ્ઠતા તેમાં રહી. દરેક
લોકો ઘણા બધા સામયિક ઘરે મંગાવી ન શકે એટલે બધા જ સામયિકો અને અખબારમાંથી ઉત્તમ
વાંચન માટેના લેખો લઈને તેને મઠારીને વાંચન માટે મિલાપમાં પ્રકાશિત કરવામાં આવતા. 1953માં આ કાર્યાલય
મુંબઈથી ભાવનગર ખસેડાયું.
1950માં પહેલો અંક અને ડિસેમ્બર, 1978 માં છેલ્લો, આમ 29 વર્ષ તે પ્રગટ
થયું.
કટોકટીના કાળમાં 1979માં નિર્ભય થઈને નિષ્પક્ષ લખાણો આપેલા જેમાં ખાસ તો જયપ્રકાશ નારાયણના
પ્રગટ કરેલા તે માટે સરકારે 'મિલાપ' સામે તીખી નજરે જોયેલું. મિલાપને તો બંધ ન કર્યું પણ જે પ્રેસમાં
તે છપાતું તેને જપ્ત કર્યું અને મિલાપ
સિવાયના અન્ય લોકો પણ તેમાં છપાવતા મતલબ કે તે પ્રેસના પેટ પર સરકારે પાટુ માર્યું
અને એક ડર પણ ઊભો કરવાનું ચૂક્યા નહીં. આમ તે પ્રેસ બંધ કરાવ્યા પછી બીજું કોઈ
પ્રેસ પણ છાપવા માટે હાથ ન લગાડે એટલે આ ગાળામાં નવેક મહિના મિલાપ બંધ રહેલું. આ ઉપરાંત નિયમિત પ્રગટ થતું
રહ્યું. પહેલાં અંકની 2000 નકલ છાપી અને
અંતિમ અંક માં પણ એટલી જ નકલ છપાતી અને જે બધે મોકલાતી. એક સમય સફળતાનો અને શ્રેષ્ઠતાનો એવો હતો કે 'મિલાપ'માં લખાણ છપાય તે
'સ્ટેટ્સ સિમ્બોલ' બની જતું.
મિલાપના પહેલા અંકનો
પહેલો લેખ 'નાનીશી મિલન બારી' અને છેલ્લા અંકનો
છેલ્લો લેખ 'ચંદ રોજ' કે જેમાં
મહેન્દ્રભાઈનું હૃદય ધબકે છે જે મિલાપ અને લોકમિલાપ ને સમજવા ઇચ્છનારે વાંચવા
જોઈએ.
મહેન્દ્રભાઈએ વર્ષો સુધી 'ઇન્ટરનેશનલ
એક્સચેન્જ ઓફ યંગ પીપલ' નામનો કાર્યક્રમ
ચલાવ્યો હતો જેમાં એક રાષ્ટ્રના યુવાનો બીજા રાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિ ને
સમજે તેવો ઉપક્રમ હતો. ઉપરાંત તેઓ પ્રેસ ડેલીગેશનના સભ્ય તરીકે વડાપ્રધાન નેહરુ
સાથે રશિયા, પોલેન્ડ અને
યુગોસ્લાવિયા ગયા હતા. નહેરુને રશિયાનું નિમંત્રણ મળેલું જે સમયે રશિયાને સોવિયેત
યુનિયન તરીકે કહેવાતું. વિદેશ પ્રવાસમાં સરકારના ખર્ચ પર વડાપ્રધાન સાથે જવા 10-12 પત્રકારની પસંદગી
થાય જેમાં નહેરુ સાથે જવા મહેન્દ્રભાઈની પણ પસંદગી થઈ જેમાં ઑસ્ટ્રિયા વચ્ચે આવતું
હોવાથી ત્યાં ગયા પછી પોલેન્ડ, મોસ્કો, યુગોસ્લાવિયાનો પ્રવાસ તેમણે ખેડ્યો રશિયાના ઘણા રાજ્યોમાં
ત્યાં ફર્યા, તેમણે જણાવ્યું
કે આમ તો એ યુરોપિયન દેશ પણ જેમાં કેટલાક એશયાઈ પ્રજાસત્તાક પણ છે જેમાં ત્યાં
તેમને બહુ ગમ્યું અને ત્યાં તેમને રહેવાનું મન થયું અને ત્યાં સામૂહિક ખેતરમાં
રહેવાની ઈચ્છા જણાવતા તેઓ ઊઝબેકિસ્તાનમાં રોકાયા, ત્યાં તેમણે જાણ્યું કે નવી સમાજ વ્યવસ્થાને
કેવી રીતે સ્વીકારે છે.
પુસ્તક પ્રદર્શન ની વાત
કરવામાં આવે તો 1969માં
ગાંધીજન્મશતાબ્દી નિમિત્તે તેમણે 'ડીસ્કવરી ઈન્ડિયા પ્રોજેક્ટ' શરૂ કર્યો અને આ
પ્રકલ્પ અંતર્ગત તેઓ યુરોપ,
અમેરિકા, આફ્રિકા, એશિયા અને
ન્યૂઝીલેન્ડમાં પુસ્તક પ્રદર્શનો તેમણે ગોઠવેલા. આ પુસ્તક પ્રદર્શનનો હેતુ ભારતીય
પુસ્તકો દ્વારા વિદેશોમાં ભારત વિશે જાણકારી આપવાનો હતો.
અનેક પુસ્તકોનો અનુવાદ
તેમણે કર્યો છે અને ઘણા સંપાદનો પણ કર્યાં છે. પુસ્તકોને લોકો સુધી પહોંચાડવા
તેમણે જીવનભર પરિશ્રમ કર્યો, સાયકલ પર થેલામાં પુસ્તકો ભરી ગામેગામ ફર્યા અને બજાર ભાવ
કરતા ચોથા પાંચમા ભાગની કિંમત પ્રશિષ્ટ પુસ્તકોને તેમણે ઘર ઘર સુધી પહોંચાડયા.
પુસ્તકમેળાઓ, બાળફિલ્મો જેવા
સઘન ઉપક્રમો તેમણે સમયની સાથે રહી ચલાવ્યા છે.
લોકોને વાંચતા વિચારતા
કરવા અને એ રીતે સમાજમાં સ્વતંત્ર વિચારશક્તિ અને બૌદ્ધિક અભિગમ વિકસાવવાના હેતુથી
તેમને એકલે હાથે ગંજાવર કામ કર્યું છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. બજાર કરતાં ત્રીજા ચોથા
ભાગની કિંમતમાં સારું વાંચન વિશાળ સમુદાય સુધી પહોંચાડ્યું. વિવિધ ભાષાના પુસ્તકો
ઉપરાંત ખાસ ગુજરાતી ભાષાના તમામ પ્રકાશનોના પુસ્તકો એક જ સ્થળે સુલભ કરાવી આપતું
પુસ્તક ભંડાર લોકમિલાપ રહ્યું છે તેમને હૃદયથી વંદન.
વિરાટ અને વ્યાપક કામ
કરનાર વ્યક્તિ અને 'લોકમિલાપ' માટે 'વૈચારિક અભિયાન' વિશેષણ પણ ટુંકુ
પડી જાય. જેમાં મહેન્દ્રભાઈ એમ જ કહે કે 'મેં તો આનંદ જ કર્યો છે.
આભાર સોનલબેન પરીખ, શામળદાસ કોલેજના ગ્રંથપાલ ભાર્ગવભાઈ અને મહેન્દ્રસાહેબ હંમેશની જેમ જરૂરી માહિતી સુધી દોરી જવા માટે.
લોકમિલાપની મુલાકાતના આયોજન બદલ અંગ્રેજી ભવનની પુસ્તકાલય સમિતિ અને ડૉ.દિલીપ બારડ સાહેબનો આભાર.
Works Cited
પરમાર, મહેન્દ્રસિંહ. લોકમિલાપની વાતો ધવલ દિયોરા. 12 2019.
પરિખ, સોનલ. "લોકમિલાપ: પુણ્યનો વેપાર." પરિખ, સોનલ. લોકમિલાપ: પુણ્યનો વેપાર. મુંબઈ: પરિચય ટ્રસ્ટ, 2015.
મેઘાણી, મહેન્દ્ર. લોકમિલાપની વાતો ધવલ દિયોરા. 01 23 2020.