Menu

Wednesday 18 December 2019

ભૂજિયો ગઢ

ભૂજિયો ગઢ 


એકલા જઈને ગુજરાતના એ અડીખમ ગઢના દરવાજા ખખડાવાનું મન થયેલું તો ચાલો વાત કહું તમને આ ગઢની.


પવનની થપાટો સામે લડી રહેલો ભુજનો અડીખમ ભુજીયો ગઢ મુખ્ય ૬ યુદ્ધનો સાક્ષી છે. ભુજીયા ગઢને જોઈએ એટલે જાજરમાન ભૂતકાળ આંખ સામે ઉભો થઇ આવે. ભુજીયા ગઢના નામ પાછળ એક દંતકથા છે  નાગ લોકોની (ભુજંગ) પણ એ પછી ક્યારેક.



[ઈતિહાસ]

અંદાજે ૧૭૦૦ થી ૧૮૦૦ની સાલમાં કચ્છના શાસકોએ (જાડેજા) સિંધના (કેસરખાન) અને મોગલ શાસકોના (બુલંદખાન) આક્રમણ સામે પ્રજાજનો અને પરિવારને સુરક્ષા આપવા અને યુદ્ધમાં દુશ્મનોની પરિસ્થિતિ જાણી પ્રહારથી બચીને આક્રમણ કરવા આ ગઢ બાંધેલો સાથે સાથે તેમાં પ્રજાજનો સુવિધા સાથે સુરક્ષિત પણ રહે.

બ્રિટિશ શાસન આવ્યું ત્યારે કિલ્લો અંગ્રેજોના કબજામાં ગયો ત્યારબાદ આઝાદી પછી ભારતીય સેના એ ત્યાં કબ્જો લઇ લશ્કરી ઉપયોગ કર્યો પરંતુ હવે ખંડેર જેવી હાલતમાં પોતાના ઇતિહાસને સાચવીને ટકી રહ્યો છે.

2001ના ભૂકંપની હોનારત બાદ હવે કિલ્લાની બહાર દૂર દૂર શહેર વિકસી રહ્યું છે. કિલ્લામાં કેટલાક જૂના બાંધકામના અવશેષો વજૂદ આપવા ટકી રહ્યા છે. 




[બાંધકામ]

-ભુજિયો ડુંગર ૧૬૦ મીટર ઉંચાઇ ધરાવે છે.
-કિલ્લાનું બાંધકામ જોઈએ તો મુખ્ય બે દરવાજામાંથી અંદર પ્રવેશ કરી શકાય.
-સુરક્ષિત દરવાજાઓ લોખંડી શુળ સાથેના જેની ચારે બાજુથી દુશ્મન પર વાર કરી શકાઈ તેવું આયોજન.
-ગઢમાં શસ્ત્ર-સરંજામ માટે અલગ વ્યવસ્થા.
-ગઢ ઉપર સૈનિકોની બેઠક એવી કે સુરક્ષા સાથે દુશ્મનને જોઈને પ્રહાર કરી શકે.
-અંદરના ભાગે પાણી માટે કુવા પણ બનાવેલ જોવા મળે છે.
-આ ખુબ ઉંચી દીવાલો છે, જે વોલ ઓફ ચાઈનાની યાદ અપાવે છે.





[હાલની પરિસ્થિતિ]

-૨૦૦૧ની સાલમાં આવેલા ભૂકંપે આ કિલ્લાને અમુક અંશે નુકસાની પહોચાડી છે.
-ભુજીયા ડુંગરને 1965ના યુદ્ધ બાદ શસ્ત્રાગાર બનાવેલો જે હાલ ભારતીય આર્મીના કબજામાંથી મુક્ત છે.
-ભુજીયા ડુંગરને પર્યટન સ્થળ બનાવવા સરકાર સુવિધાઓ વિકસાવી રહી છે.
->કિલ્લાની દીવાલો અને વનસંપદાઓ વિનાશ તરફ વળી રહી છે.
->હાલ તો નધણીયાત જેવી પરિસ્થિતિ મને ભુજીયા ગઢની લાગી.





[વફાદારી]

વર્ષો જુના ગઢના દરવાજાનું લાકડું અને લોઢું એ હજુ પણ પોતાની વફાદારી દેખાડી રહ્યું છે. વાર્તાઓમાં બાળપણમાં સાંભળેલા શુળ વાળા દરવાજા જોઈએ અને જ્યારે તેને અડિયે એટલે ક્યાંક અચાનક એ લઈને જતાં રહે એના સમયનો અહેસાસ કરાવવા. આ ગઢના દરવાજા પરના આ શૂળે દુશ્મનોના ઘાતક પ્રહારો જીલેલા છે. ગઢનો દરવાજો જાજરમાન ભૂતકાળનું દર્શન કરાવે છે.





[ પ્રથમ પ્રવેશદ્વાર ]

ગઢમાં પ્રવેશ કરતા પહેલા આ દરવાજામાંથી પ્રવેશ મળે હાલ તેનો પ્રવેશદ્વાર દ્વારપાળ વગર સુનો ભાસે. જ્યારે  કિલ્લાના દ્વારને મળીયે તો એમ થાય કે કેમ કોઈ રોકવા કે પૂછવા વાળું નથી.





[ દ્વિતીય પ્રવેશદ્વાર ]

ચારે બાજુઓથી આક્રમણ થતા હોય તેવી પરિસ્થિતિમાં દુશ્મનોને આ દ્વિતીય પ્રવેશદ્વારના શૂળને સહીને દરવાજો તોડી અંદર પ્રવેશી શકાય બાકી દીવાલો એટલી ઊંચી કે અંદર જવું આકરું પડે. 6 યુદ્ધો જોનાર આ ગઢના દરવાજા હજુય ટક્કર આપી શકે તે મજબૂતાઇ એ લાકડામાં છે.

સુરક્ષાની દૃષ્ટિએ દરેક શંકાઓના સમાધાન કરીને બાંધકામ કર્યું હોયને એવું બાંધકામ જોવા મળે.





[ભુજીયા ગઢના ભોમિયા]

આખાય ગઢમાં હું એકલો જ રખડતો હતો ત્યાં 5 મારી જેવી ભામ મળી ગઈ કસમથી બોસ આ ભામ એ મારી જેમ ભાવનગર જીલ્લાની જ હતી.

નબળી પરિસ્થિતિ પેટિયું રળી ખાવા આ ટેણીયાઓને ભુજ લાવી છે પણ એનું કહેવું છે પૈસાવાળા રખડી શકે પણ વગરનાય વધુ રખડી શકે.





[ ઈદ્રીશભાઈ ગોપાલક ]

ઇદ્રીશભાઈ: સોરા પાણીની એક જ બોટલ ખણી લાવ્યો ???
હું: હા ભાઈ કેમ ?
ઇદ્રીશભાઈ: કઈ નૈ આહ્યલુ માથે જઈ હકાહે,,,પાસો આવ્ય તારે ખબર તને...

હું અડધે ચડ્યો ત્યાં જ મારી પાણી ની બોટલ ખૂટી ગઈ ત્યારે ખબર પડી કે પાણીની 5 બોટલ લાવવાની જરૂર હતી.

જોકે નીચે જઈને ઈદ્રીશભાઈએ કરેલી પાણીની વ્યવસ્થા ક્યારેય નહિ ભુલાઈ શણના કપડામાં વીંટેલા પાણીથી નીતરતા વાદળી કલરના ડબલાનું પાણી વગર ઓર્ડરે કોફી કાફેમાં આવતા પાણી કરતા સારું લાગ્યું.



( કેવી રીતે પહોંચી શકાય)

ગુજરાતના કચ્છ જીલ્લાનું મહત્વનું શહેર ભુજ

અમદાવાદથી ભુજ 330 km. દૂર છે.  અમદાવાદથી ભુજ સરકારી અને ખાનગી બસ મારફતે પહોંચી શકાય.

મુંબઈ, અમદાવાદથી રેલવે દ્વારા પણ ભુજ પહોંચી શકાય.

ભુજ શહેર બહાર થોડે દૂર 3 કિલોમીટરનો રસ્તો કાપી ભુજીયા ગઢ પહોંચવા માટે ભુજ બસ સ્ટેશનથી પ્રાઇવેટ વાહન કરીને જઈ શકાય.

ખાસ નોંધ: પાણી અને નાસ્તો સાથે રાખવો😅

તો હરો, ફરો, જાણો, માણો અને મજા કરો 🤟🏻

ચાલો ત્યારે ફરી મળીશું 
નવી જગ્યા, નવા અનુભવ સાથે☺️


સંદર્ભ:
અખબાર અને સ્થાનિક લોકો સાથેની વાતચીત પરથી મેળવેલ માહિતી.


11 comments: